About @Post Laganini Aksharyatra
સર્જક શિલ્પા દેસાઈની અનોખી પત્ર-નવલકથા.
લખું તો શું લખું….ગમતી વ્યક્તિને જ્યારે કાગળ લખવા બેસીએ ત્યારે મુંઝારો નહીં પણ આવી મીઠી મુંઝવણ હોય છે. પછી તો લખાય જાય છે કોરા કાગળમાં મેઘધનુષ્યના સાતે રંગો, ગ્રીષ્મના તડકામાં અરડાતી મરડાતી આંબા ડાળ પર બેસેલી કોયલ, કોઈ તળાવા કાંઠે પોયણા પર બાઝેલા પાણીનું રૂપેરી બુંદ, પારીજાતનું સુગંધ અને આકાશમાં ચોક્કસ આકારે ગમી ગયેલું કોઈ વાદળ !
દરેક પત્ર લખવાના કોઈ ચોક્કસ કારણો નથી હોતા…કેટલાક પત્રો કારણ વગર પણ લખી શકાય. આને ઉમળકો કહો કે ઉભરો પણ સફેદ પાનાઓમાં પોતાની જગ્યા એ કરી લે છે. વાંચનારો લખાયેલા બે શબ્દો વચ્ચેની જગ્યા પણ પ્રેમથી વાંચી લે છે. સામો જવાબ નહીં જાણે કે ટહુકો આવે છે. વળતો પત્ર આવશે એ અપેક્ષા નહીં ઉંડો વિશ્વાસ હોય. ખુલ્લી હથેળીમાં મુકાયેલી રાતી ચણોઠડી જેવા રૂપાળા સંબંધ. એકબીજાને કપાસના લીલાછમ ખેતરના માથે ઝીંડવામાં ફાલેલા સફેદ રૂ જેવા નાજુક સંબોધન, શંકા આશંકા કે લોક લાજ શરમનો અછડતો સ્પર્શ અને બધું મેલું !
૨૦૧૬ના ઑગસ્ટ મહિનામાં મૈત્રીપર્વના દિવસે શરુ થયેલી આ પત્રશ્રેણીનો આ પડાવ છે, મંઝિલ નહીં. મુગ્ધતાના જુદાં જુદાં વળાંક પર મળી ગયેલાં , અકારણ છૂટી ગયેલાં મિત્રોની મન કી બાતનો આલેખવાનો આ નાનકડો અમથો પ્રયાસ હતો. કોઈવાર કહેવા ચાહ્યું હશે પણ કહી નહીં શકાયું હોય , કોઈવાર સંજોગોએ કહેવા નહીં દીધું હોય , કેટલીય ઘટનાઓને શબ્દોએ સાથ નહીં આપ્યો હોય.. જે હોય એ, આ શ્રેણી માત્ર સપ્તક કે અંતરાની જ નથી પણ આપણાં સહુમાં ટમટમેલાં પણ અકાળે બુઝાઈ ગયેલાં દીવાઓની છે, આપણી પોતીકી છે.